કારાગૃહ/કારાવાસનો ખ્યાલ વર્ષોથી આપણા સમાજમાં સંકળાયેલો છે. સૈકાઓ પૂર્વેના ઇતિહાસમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મની કથા કે તે પૂર્વેથી જેલની પરંપરા ચાલતી આવે છે. ગુજરાત રાજ્યમાં આવેલી જેલો પણ કેટલીય ઐતિહાસિક ધરોહરો ધરાવે છે. ભારતની સ્વતંત્રતા ચળવળ દરમિયાન જેમા પૂજ્ય મહાત્મા ગાંધી, કસ્તુરબા, લોકમાન્ય તિળક, રવિશંકર મહારાજ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવી અનેક મહાન વિભૂતિઓએ ગુજરાતની જેલોમાં કારાવાસ ભોગવેલો. આમ, રાજ્યની જેલો અનેક રાષ્ટ્રીય ચળવળોની મૂક સાક્ષી છે.
૧૯મી સદીની શરૂઆત સુધી જેલ ખાતાની મુખ્ય કામગીરી ફક્ત કસ્ટોડિયન તરીકે કેદીઓને રાખવાની જ હતી પરંતુ ધીમે ધીમે ક્રિમિનોલોજી તથા પેનોલોજીના ક્ષેત્રમાં નવી વિચારધારાનો ઉદભવ થતાં, જેલ ખાતાના કાર્યક્ષેત્રની સીમાઓનો વિસ્તાર થયેલો છે.